શુક્રવાર, 4 માર્ચ, 2011

જાલંધર બંધ (throat lock)

જાલંધર બંધ (throat lock) 

સંસ્કૃતમાં જાલનો અર્થ ગુંચળું કે જાળું એવો થાય છે અને ધરનો અર્થ ધારણ કરવું કે ટેકો આપવો એવો થાય છે. જાલંધર બંધ નાડીઓના સમુહ કે ગુંચળાને ઉર્ધ્વ કરવામાં કે ઉપર ઉઠાવવામાં સહાય કરે છે.

આપણે આગળના લેખમાં જોયું કે ઉડ્ડિયાન બંધ દ્વારા નાડીસમુહોને અંદરની તરફ અને ઉર્ધ્વ દિશામાં ખેંચવામાં આવે છે. જાલંધર બંધ એ પ્રયત્નોને ઉપરના ભાગથી એટલે કે કંઠ કે ગળાના ભાગથી ટેકો આપે છે. અંગ્રેજીમાં એથી જ જાલંધર બંધને throat lock તરીકે ઓળખવામાં આવે છે.

જાલંધર બંધ યોગની વિવિધ પ્રક્રિયાઓ દરમ્યાન કરવામાં આવે છે. અહીં એને આસન પર બેસીને કેવી રીતે કરવામાં આવે છે તે જોઈશું.

રીત
પદ્માસન, સિદ્ધાસન કે સુખાસન જેવા કોઈ અનૂકુળ આસનમાં બેસો. હાથને ઘુંટણ પર ટેકવો. ધીરેથી શ્વાસને અંદરની તરફ ભરો અને પછી સહજ રીતે બહાર કાઢો.

શ્વાસને બહાર કાઢતી વખતે ખભાને સહેજ ઉપર લઈ માથું આગળની તરફ નમાવો. એમ કરવાથી કરોડરજ્જુનો ભાગ ખેંચાશે. હડપચીનો ભાગ ગળાની સહેજ નીચે ધડ પર મધ્યભાગમાં ત્રિકોણ પડે છે ત્યાં, અંગ્રેજીમાં જેને collar bone કહે છે તેની મધ્યમાં પડતા jugular notch પર ગોઠવો. આ સમયે બધો જ શ્વાસ બહાર નીકળી ગયો હશે અને બાહ્ય કુંભક હશે.

આ સમયે જીભને અંદરની તરફ વાળી તાળવાની ઉપરના ભાગમાં ઉંધી લગાવો જેથી ગળાની શરૂઆતમાં આવેલ શ્વસનમાર્ગના છિદ્રો અવરોધાય. આંતરિક રીતે જીભથી જીહ્વાબંધ દ્વારા અને બાહ્ય રીતે હડપચીને પ્રાણને રોકો.

બાહ્ય કુંભકની આ સ્થિતિ જ્યાં સુધી કરી શકો ત્યાં સુધી રાખો. પછી ધીરેથી જીભને એની સામાન્ય સ્થિતિમાં લાવો, હડપચીને ઉપર ઉઠાવો, ખભાને સામાન્ય કરો અને શ્વાસને અંદર ભરો.

જેવી રીતે આસન પર બેસીને જાલંધર બંધ કરી શકાય છે તેવી જ રીતે સર્વાંગાસન જેવા આસન દરમ્યાન પણ જાલંધર બંધ સહજ રીતે થઈ શકે છે.

ફાયદા
કંઠ પ્રદેશમાં સહેજ દબાણ આપવાને કારણે આ બંધથી થાયરોઈડ ગ્રંથિને મદદ મળે છે. એ ગ્રંથિથી શરીરના વિવિધ અગત્યના કાર્યો માટે જરૂરી અંતઃસ્ત્રાવોનું નિયંત્રણ થતું હોવાથી શરીરની અગત્યની પ્રક્રિયાઓ જેવી કે હૃદયના ધબકારાનો દર, મસ્તિષ્ક પ્રદેશમાં થતી કેટલીક સ્વૈચ્છિક ક્રિયાઓ વગેરેમાં સુધારો થાય છે.

પાન અને અપાન વાયુનું નિયંત્રણ કરી પ્રાણને સુષુમ્ણા નાડીમાં પ્રવેશ કરી ઉર્ધ્વગામી કરવાની અગત્યની પ્રક્રિયા માટે મૂલ અને ઉડ્ડિયાન બંધની જેમ જાલંધર બંધ પણ અગત્યનો છે. કુંડલિનીના જાગરણ અને ઉર્ધ્વગમનને યોગના ગ્રંથોમાં ખુબ મહત્વ આપવામાં આવ્યું છે.

ત્રિબંધ
બંધ કરવામાં કુશળતા પ્રાપ્ત કર્યા પછી ઉડ્ડિયાન બંધની સાથે સાથે મૂલ બંધ અને જાલંધર બંધ પણ કરી શકાય. ત્રણેય બંધ એકસાથે કરવાની આ પ્રક્રિયાને ત્રિબંધ તરીકે પણ ઓળખવામાં આવે છે. અભ્યાસથી આગળ વધેલ સાધક આ ત્રણે બંધને સાથે કરીને યોગના માર્ગમાં ઝડપથી આગળ વધી શકે છે. ત્રિબંધ કરનાર સાધક બ્રહ્મચર્ય પાલનમાં સરળતા રહે છે, અખંડ યૌવનની પ્રાપ્તિ થાય છે અને વીર્યરક્ષા કરી ઓજસ્વી બની શકે છે.

0 ટિપ્પણી(ઓ):

ટિપ્પણી પોસ્ટ કરો

મારા વિશે

Blogger દ્વારા સંચાલિત.
Twitter Delicious Facebook Digg Stumbleupon Favorites More

 
Powered by Blogger