શનિવાર, 26 ફેબ્રુઆરી, 2011

શિયાળામાં તાજગી આપે છે યોગ.


શિયાળામાં તાજગી આપે છે યોગ.

 
સ્વસ્થ લોકો સારી રોગપ્રતિકારક શક્તિ ધરાવે છે. તેમના લોહીનું પરિભ્રમણ સહજ હોય છે અને તે આહારનાં તમામ પોષકતત્વોને શરીરના ખૂણેખૂણે પહોંચાડવામાં મદદ કરે છે.

યોગ કહે છે કે ધોધમાર વરસાદ હોય કે અસહ્ય ઠંડી-ગરમ ઋતુઓમાં થતા ફેરફારથી કોઈ સમસ્યા પેદા થવી ન જોઈએ. આ આદર્શ સ્થિતિ થઈ. સરચાઈ એ છે કે આપણી તબિયત નબળી હોય તો સિઝનલ ફેરફાર થતા જ આપણે હારી જઈએ છીએ. યોગ તમને ઉત્તમ શારીરિક સ્વાસ્થ્ય માટે તૈયાર કરે છે. સ્વસ્થ લોકો સારી રોગપ્રતિકારકશક્તિ ધરાવે છે. તેમના પ્રતિરોધક કોષો બચાવ માટે હંમેશાં તૈયાર રહે છે, લોહીનું પરિભ્રમણ સહજ હોય છે અને તે આહારનાં તમામ પોષકતત્વોને શરીરના ખૂણેખૂણે પહોંચાડવામાં મદદ કરે છે.

સ્વસ્થ કંકાલતંત્ર એટલે કે હાડકાં માટે પણ યોગ જવાબદાર છે. યોગ ઠંડીની મોસમમાં હાડકાંના દુખાવા જેવી સમસ્યા દૂર કરી શકે છે. યોગને લીધે તમારું પાચનતંત્ર મજબૂત બને છે અને તમે ઊર્જાથી ભરપૂર રહો છો, તમારો સ્વભાવ ચીડિયો બનતો નથી, તમે થાકેલા લાગતા નથી. નિયમિત યોગાભ્યાસથી પુષ્કળ ફાયદો થાય છે. આને માટે કોઈ કઠોર સાધના કરવાની જરૂર નથી, તમે શિસ્ત અને નિયમિતતા જાળવો એટલું પૂરતું છે. અમુક અસરકારક પરંતુ સરળ મુદ્રાઓ મોસમી ઉતાર-ચઢાવને લગતી સમસ્યાઓનો સામનો કરવા તમને કટિબદ્ધ કરી દેશે.

પર્વતાસન, સુપ્તબદ્ધ કોણાસન, વજ્રાસન, બટરફ્લાય, પદાંગુષ્ઠાસન, નૌકાસન વગેરે મુદ્રા હંમેશાં અકસીર સાબિત થાય છે. યોગિક મુદ્રાઓમાં લચીલાપણું હોવું જરૂરી છે એ વિચારમાત્રથી નવા નિશાળિયાઓ ડરી જાય છે. અલબત્ત, મસ્તિષ્કનું લચીલાપણું વધુ મહત્વનું છે. મોટા ભાગનાં આસનોના સરળ રીતે શીખી શકાય છે. શરૂઆત કરનારાઓને મદદરૂપ સાધનોની છૂટ હોય છે. શરૂશરૂમાં મોટા ભાગની મુદ્રા દીવાલને સહારે કે તકિયા, ગાદી, નાના ટેબલની મદદથી કરી શકાય છે. એક વાર શીખી ગયા પછી આ સાધનોનો ઉપયોગ કરવાનું ટાળી શકાય છે.

સલંબ સર્વાગાસન કે એના રૂપાંતરણ (વિપરીત કરણી) જેવી મુશ્કેલ મુદ્રા ગુરુત્વાકર્ષણ વિરુદ્ધ કાર્ય કરતી હોવાથી રોગપ્રતિકારકતા વધારે છે. પ્રાચીન હઠયોગ તો દાવાપૂર્વક કહે છે કે વિપરીત કરણીનો નિયમિત અને દ્રઢ અભ્યાસ મૃત્યુને અટકાવી શકે છે! ખેર, આપણે હાલપૂરતો સાદો અર્થ એ જ કરીએ કે વિપરીત કરણી પ્રતિરોધકતાને મજબૂત કરે છે અને સ્વાસ્થ્ય સુધારે છે. બેસીને થતી મુદ્રા (જેમ કે વજ્રાસન) શરીરને એકદમ લચીલું બનાવે છે. શરૂઆત પગનાં લચીલાંપણાંથી અને ભરાવદાર નિતંબનો ધેરાવો ઓછા થવાથી થાય છે.

લોહીનાં પરિભ્રમણની દિશા પગથી પાચનતંત્ર તરફની હોય છે એટલે ચયાપચય મજબૂત થાય છે. આ રીતે લોહીમાં શર્કરાની અસ્થિરતાનું નિયંત્રણ કરવામાં પણ મદદ મળે છે. મસ્તિષ્કને આરામ આપતી આ મુદ્રાઓ શરીરને તંદુરસ્તી બક્ષે છે. આ બધી સકારાત્મક ક્રિયાઓ મોસમનાં પરિવર્તન દરમિયાન આપણને બીમારીથી દૂર રાખે છે.

સુપ્તબદ્ધ કોણાસન


આ મુદ્રા માટે પીઠ પર ચત્તા સૂઈ જાઓ. પીઠ અને ગરદનના હિસ્સાને ટેકો આપવા તકિયાનો ઉપયોગ કરી શકો છો. પગનાં તળિયાં એકસાથે જોડી રાખો. પગને શક્ય હોય એટલા જનનાંગોની નજીક લઈ આવો. હથેળીઓનો પાછલો ભાગ સાથળ પાસે અથવા જમીનને અડીને રાખો. આંખો બંધ કરો, વિશ્રામની અવસ્થામાં રહો અને શ્વાસોરછવાસ સામાન્ય રાખો. શરૂઆતમાં થોડી મિનિટ આ રીતે કરો. પછી ધીમે ધીમે એનો સમય પાંચથી દસ મિનિટ સુધી વધારતા જાઓ.

આ એક ખૂબ જ શક્તિશાળી મુદ્રા છે. એ તાણગ્રસ્ત રક્તવાહિનીઓને શિથિલતા આપી લોહીનાં ભ્રમણની ગતિ વધારે છે, હૃદયની કાર્યક્ષમતા વધારે છે અને હૃદયરોગ ઉપરાંત શ્વાસને લગતી બીમારીઓમાં પણ ફાયદાકારક છે. એ થાઈરોઈડ ગ્રંથિનું માલિશ કરી એના હોર્મોનને સંતુલિત કરે છે.

આનાથી થાઈમસ ગ્રંથિ પણ સંતુલિત રહે છે. આપણી રોગપ્રતિકારકશક્તિ વધારે છે, તેથી આપણે શ્વાસને લગતા રોગ કે કોઈ પણ પ્રકારની એલર્જીનો ભોગ બનતા અટકીએ છીએ. તે પેટ માટે પણ ઉત્તમ છે. પાચન સંબંધિત દરેક સમસ્યાઓમાં ફાયદાકારક હોવાની સાથે તે ચયાપચયતંત્રને મજબૂત બનાવે છે. આ ઉપરાંત લોહીનાં ઊંચાં દબાણ, નિતંબ અને પગની ખેંચ, વાયુ તથા કિડનીને લગતી સમસ્યાઓમાં રાહત આપે છે. હર્નિયાથી બચવામાં પણ તે મદદ કરે છે.

0 ટિપ્પણી(ઓ):

ટિપ્પણી પોસ્ટ કરો

મારા વિશે

Blogger દ્વારા સંચાલિત.
Twitter Delicious Facebook Digg Stumbleupon Favorites More

 
Powered by Blogger