શુક્રવાર, 4 માર્ચ, 2011

મૂલ બંધ (basal lock)

મૂલ બંધ (basal lock)


સંસ્કૃતમાં મૂલ શબ્દનો અર્થ વૃક્ષના મુળિયાં કે કોઈ વસ્તુનો આધાર એમ કરવામાં આવે છે. પરંતુ યૌગિક રીતે મૂલ શબ્દ કરોડરજ્જુનો છેક નીચેનો ભાગ કે છેડો - એ અર્થમાં વાપરવામાં આવે છે. આ બંધ કરોડરજ્જુના સૌથી નીચેના કેન્દ્ર કે મુળ સાથે સંકળાયેલો હોવાથી એને મૂલ બંધ કહેવામાં આવે છે. અંગ્રેજીમાં એને basal lock કહેવામાં આવે છે.

રીત
પદ્માસન, સિદ્ધાસન કે અનૂકુળ આવે તેવા સુખાસનમાં બેસો. બંને હાથ સીધાં કરી ઘુંટણ પર ટેકવો. ઊંડો શ્વાસ લો અને પછી શ્વાસને પૂર્ણપણે બહાર કાઢો. શ્વાસને બહાર કાઢવાની ક્રિયા દરમ્યાન ગુદાના (મળવિસર્જનના માર્ગ) ભાગના સ્નાયુઓને અંદરની તરફ સંકોચો. અંગ્રેજીમાં જેને buttock and rectal muscle તરીકે ઓળખવામાં આવે છે, તે સ્નાયુઓને સંકોચવાના છે.

જ્યારે નાસિકા માર્ગે શ્વાસ સંપુર્ણપણે કાઢી નાંખો પછી આ રીતે મૂલ બંધ કરેલી સ્થિતિમાં બાહ્ય કુંભક કરો. એટલે કે નાક વાટે બધો શ્વાસ બહાર કાઢી નાંખો અને એ સ્થિતિમાં નવો શ્વાસ ભર્યા વગર મૂલ બંધ કરો.

મૂલ બંધ કરવાની આ ક્રિયા દરમ્યાન ગુદાદ્વારના સ્નાયુઓને તમે સંકોચી, વિસ્તારી અને ફરી સંકોચી શકો. એમ કરવાથી પ્રાણની ઉર્ધ્વ ગતિને મદદ મળશે. જ્યારે બાહ્ય કુંભક પુરો થાય, એટલે કે તમારે શ્વાસ અંદર ભરવો પડે એમ લાગે ત્યારે ધીરેથી શ્વાસને અંદર ભરો. એ જ સમયે તમારા ગુદાદ્વારના સંકોચાયલા સ્નાયુઓને હળવેથી વિશ્રામ આપો.

મૂલ બંધની આ ક્રિયા પાંચેક વાર કરો.

નોંધ
મૂલ બંધ યોગની વિવિધ પ્રક્રિયાઓ દરમ્યાન કરવામાં આવે છે. એથી મૂલ બંધ કરવા માટે પદ્માસન કે સિદ્ધાસન જ જરૂરી છે એવું નથી. ચત્તા સુઈને પણ મૂલ બંધનો અભ્યાસ કરી શકાય છે. પરંતુ સિદ્ધાસન કે પદ્માસનમાં બેઠા હોઈએ ત્યારે આપણા બેઠકનો ભાગ જમીન પર બરાબર જડાયેલો હોય છે. અને મળદ્વાર બરાબર મધ્યમાં જમીન સાથે સ્પર્શતું હોય છે. એવી સ્થિતિમાં પ્રાણના નિયંત્રણ કરવાનું સુલભ થઈ પડે છે. એથી મૂલ બંધ આસાનીથી અને વધુ અસરકારક રીતે કરી શકાય છે.

ફાયદા
મૂલ બંધ કરવાથી ગુદામાર્ગના સ્નાયુઓને કસરત મળે છે. એથી અંગ્રેજીમાં જેને prostate gland અને testis કહેવામાં આવે છે તેને લાભ થાય છે. જેમને પાઈલ્સની બિમારી હોય તેને મૂલ બંધ કરવાથી રાહત મળે છે.

આ તો થઈ શારિરીક ફાયદાની વાત. યોગિક રીતે કે આધ્યાત્મિક રીતે વિચારીએ તો કુંડલિનીના ઉર્ધ્વગમન માટે મૂલ બંધ એક અસરકારક સાધન થઈ પડે. કારણ કે મૂલ બંધ દ્વારા અપાન વાયુ કરોડરજ્જુના તળિયેથી ઉપરની તરફ ધકેલાય છે.

મૂલ બંધ કરવાથી બ્રહ્મચર્યના પાલનમાં મદદ મળે છે.

1 ટિપ્પણી(ઓ):

Meditations કહ્યું...

Thanks

ટિપ્પણી પોસ્ટ કરો

મારા વિશે

Blogger દ્વારા સંચાલિત.
Twitter Delicious Facebook Digg Stumbleupon Favorites More

 
Powered by Blogger