ગુરુવાર, 3 માર્ચ, 2011

ભુજંગાસન (Cobra Pose)

ભુજંગાસન (Cobra Pose) 

अथ भुजङ्गानम् ।
अंगुष्ठनाभिपर्यन्तमधोभूमौ विनिन्यसेत् ।
करतलाभ्यांधरां धृत्वा उर्ध्वंशीर्ष फणीवहि ॥४१॥
ઘેરંડ સંહિતામાં ભુજંગાસન વિશે ઉપર પ્રમાણે વર્ણન કરવામાં આવ્યું છે. ભુજંગ એટલે સાપ. આ આસનમાં શરીરનો દેખાવ સર્પ ફેણ માંડીને જમીનથી ઊંચો થાય - તેના જેવો થતો હોઈ આ આસનને ભુજંગાસન કહેવામાં આવે છે.
Bhujanagasana
આસનની રીત:
 • શવાસનમાં જેવી રીતે આકાશ તરફ મુખ રાખી ચત્તા સૂઈ જવાનું હોય છે તેનાથી બિલકુલ વિરુદ્ધ બંને પગ પૂરા સીધા કરી પગના પંજા લંબાવી પેટ ઉપર ઊંધા સૂઈ જાઓ. આ સમયે કપાળ જમીનને અડકશે અને બંને હાથ બાજુ પર પસારેલા હશે.
 • હવે જમણા હાથનો પંજો જમણી છાતી પાસે અને ડાબા હાથનો પંજો ડાબી છાતી પાસે ગોઠવો. દાઢીને લંબાવીને બહાર કાઢો. દાઢી શક્ય તેટલી લંબાવવાની સાથે સાથે માથું ઊંચું કરો અને પછી છાતી ઉંચી કરો. દાઢી, માથું અને છાતીની ક્રિયા અનુક્રમે ધીમેથી કરવાની છે. એકદમ છાતી ઉઠાવવાની નથી. હાથનો ટેકો પણ લેવાનો નથી.
 • આ સમયે પગના અંગૂઠાથી નાભિપર્યંતનું શરીર જમીનને અડકાડેલું હશે. હાથની હથેળીઓને જમીન પર હશે અને પીઠની માંસપેશીઓના બળથી શરીર છાતી સુધી ઊંચું થયેલું હશે.
 • છાતી સુધીનો ભાગ ઊંચો કર્યા પછી છાતી નીચેના ભાગથી શરૂ કરી નાભિ સુધી પેટ ઊંચકવાનું છે. આ વખતે બંને હાથનો થોડો ટેકો લેવાનો છે અને ગર્દનથી કમર સુધીની કરોડને પાછળની બાજુ વાળવાની છે. બંને કોણીઓ પડખેથી દૂર જતી ન રહે તેની કાળજી રાખો.
 • હવે અંતિમ સ્થિતિએ પહોંચવા માટે આકાશ તરફ જોઈ કરોડને થોડોક વધારે વળાંક આપો. હાથ પૂરેપૂરા સીધા કરવાના નથી કે ખભા ઊંચકવાના નથી. કોણીમાંથી કાટખૂણાથી થોડા મોટો ખૂણો પડે તેમ, બંને હાથ રહેવા જોઈએ. અહીં આસન પૂરું થયું.
 • આ સ્થિતિમાં દસથી વીસ સેકન્ડ સ્થિર રહો. પછી ઉલટા ક્રમમાં એટલે કે પહેલા નાભિ, પછી પેટ, છાતી વગેરે નમાવતા નમાવતા છેવટે દાઢી અંદર ખેંચી લઈ મૂળ સ્થિતિમાં આવી જવું.
 • આસનનો અભ્યાસ સિદ્ધ થયા પછી આસન કરતાં શ્વાસ ભરીને કુંભક કરવો અને આસન મૂક્યા પછી મૂળ સ્થિતિમાં આવ્યા બાદ શ્વાસ ખૂબ જ ધીરેથી છોડવો.
 • આસન સિદ્ધ થતાં શરીરનો ભાર દંડની માફક હાથ પર નહિ ટેકવતાં દબાણ માત્ર માંસપેશીઓ પર આવે તે રીતે આસન થશે.
 • આ આસનમાં સમય વધારવા કરતાં એકવાર થોડીક સેકન્ડ સ્થિર રાખી, ફરી કરવું હિતાવહ છે. શક્તિ પ્રમાણે આગળ વધતાં ત્રણથી સાત સુધીના આવર્તનો કરી શકાય.
ફાયદા:
ઘેરંડ સંહિતામાં ભુજંગાસનના ફાયદાઓ વિશે આ પ્રમાણે કહેવામાં આવ્યું છે
देहाग्निवर्धते नित्यं सर्वरोग विनाशनम् ।
जागर्ति भुजगी देवी भुजगासन साधनात् ॥४२॥
અર્થાત્ ભુજંગાસનથી પીઠ અને પેટની માંસપેશીઓ સબળ અને નિરોગી બને છે તેમ જ પેટની અંદરના અવયવો પણ વધારે કાર્યક્ષમ બને છે. એથી જઠરાગ્નિ પ્રદીપ્ત બને છે. વિસ્તારપૂર્વક જોઈએ તો ...
 • બરડાની માંસપેશીઓ (Trapezius, latissimus dorsi, Erector spinae, Gluteal muscles) તથા કરોડના ગરદનના ભાગમાં આવેલ વિવિધ સ્નાયુઓ, ઉદર અને ઉરગુહાના સ્નાયુઓ (Cervical, Thoracic, Lumber, Sacrum) ખેંચાવાથી સ્નાયુઓ તથા કરોડના બે અંકોડા વચ્ચેથી નીકળતી જ્ઞાનતંતુની નાડીઓ વધારે સક્રિય અને બળવત્તર બને છે. પરિણામે દેહવિન્યાસ સુધારે છે ને કરોડ વધુ સ્થિતિસ્થાપક બને છે.
 • પેટના સ્નાયુઓ (Recti Muscles) ખેંચાવાથી ત્યાંના અવયવો વ્યવસ્થિત કાર્યશીલ બને છે.
 • જમ્યા પછી પેટમાં વાયુ થતો હોય (Flautulence) તો આ આસનથી અટકે છે.
 • ઉદરગુહામાંનું દબાણ (Intra abdominal pressure) વધવાને પરિણામે કબજિયાત મટે છે.
 • ખભાની માંસપેશીઓ અને છાતી વિકસે છે. ફેફસાંને પ્રશ્વાસ વખતે પૂરેપૂરા વિકસવાનો અવકાશ મળવાથી શ્વસનતંત્ર વધુ કાર્યક્ષમ બને છે તથા હૃદય બળવાન બને છે.
 • ગર્ભાશય અને બીજાશય સુધરે છે તેથી માસિક વિના કષ્ટે આવે છે અને બહેનોને માસિક સંબંધી ફરિયાદો દૂર થાય છે.
 • અતિ શ્રમ અને થાકને કારણે થતો બરડાનો દુખાવો ભુજંગાસનના અભ્યાસથી મટે છે.
 • મગજમાંથી નીકળતા જ્ઞાનતંતુઓ બળવાન બને છે.
 • કફ, પિત્ત પ્રકૃતિના લોકો માટે આ આસન હિતકર છે.
સાવધાની:
 • જેમની કરોડ અક્કડ હોય તેણે સહેલાઈથી વાળી શકાય તેટલી જ વાળવી. પરાણે જોર કરીને કે આંચકા મારીને વધારે વાળવાનો પ્રયત્ન હરગીઝ ન કરવો. અભ્યાસથી જેમ જેમ કરોડ સ્થિતિસ્થાપક થતી જશે તેમ તેમ વધારે વળાશે. ઉત્સાહમાં આવીને ઉતાવળ ન કરવી.
 • આ આસન કરતા પીઠમાં દુખાવો થઈ આવે તો અતિશયતા થઈ છે, એમ જાણી એકાદ બે દિવસ આરામ કરી દુખાવો મટે પછી સાવચેતીપૂર્વક ફરી શરૂ કરવું. સામાન્ય રીતે કોઈ પણ આસન પછી દુખાવો કે બેચેની ન થવાં જોઈએ પણ ઉત્સાહ અને સ્ફુર્તિનો અનુભવ થવો જોઈએ.

0 ટિપ્પણી(ઓ):

ટિપ્પણી પોસ્ટ કરો

મારા વિશે

Blogger દ્વારા સંચાલિત.
Twitter Delicious Facebook Digg Stumbleupon Favorites More

 
Powered by Blogger