શુક્રવાર, 4 માર્ચ, 2011

ઉડ્ડિયાન બંધ (stomach lock)

ઉડ્ડિયાન બંધ (stomach lock)

ઉડ્ડિયાન શબ્દનો અર્થ ઉડવું કે ઉર્ધ્વ ગમન એવો થાય છે. બંધની આ પ્રક્રિયામાં પેઢાંના સ્નાયુઓ (abdominal organs) એકસાથે અંદરની તરફ અને ઉપરની દિશામાં ખેંચવામાં આવે છે. એથી આ બંધને ઉડ્ડિયાન બંધ તરીકે ઓળખવામાં આવે છે.

ખાસ નોંધ
ઉડ્ડિયાન બંધ પેટ સાફ થયા પછી એટલે કે ખાલી પેટે કરવો જરૂરી છે.

રીત
ઉડ્ડિયાન બંધ ઊભા, બેઠાં, સૂતેલાં પણ કરી શકાય છે. શિર્ષાસન કે વૃક્ષાસન જેવા આસનો દરમ્યાન કે જ્યારે શરીર સામાન્ય સ્થિતિ કરતાં ઉલટું હોય ત્યારે પણ આ બંધ કરી શકાય છે.  અહીં આપણે સામાન્ય રીતે મોટા ભાગના અભ્યાસુઓ જે રીત પસંદ કરે છે તે રીત - ઉભડક રહીને ઉડ્ડિયાન બંધ કરવાની પ્રક્રિયાનું વર્ણન કરીશું.

પ્રથમ બંને પગની વચ્ચે એકાદ ફુટ જેટલી જગ્યા રહે એ પ્રમાણે ઊભા રહો. કમરથી સહેજ વાંકા વળો. પગને ઢીંચણમાંથી વાળી જાંઘથી ધડ અને મસ્તક સુધીનો બધો પ્રદેશ ખુરશી જેવા આકારનો બનાવો. બંને ખભા અને છાતી ટટ્ટાર, વિકસેલા અને આગળ તરફ રાખવા.

ઊંડો શ્વાસ લો. પછી સહજ રીતે શ્વાસને નાસિકાદ્વારમાંથી બહાર કાઢો. જ્યારે શ્વાસ સંપૂર્ણપણે બહાર નીકળી જાય એ સમયે બાહ્ય કુંભક કરો. સાથે સાથે નાભિના ઉપરના તથા નીચેના પેટના ભાગને બરડાને અડી જાય એવી રીતે સહેજ બળપૂર્વક અંદર અને ઉર્ધ્વ તરફ ખેંચો. ઉરોદરપટલના સ્નાયુઓ આ રીતે અંદર ખેંચવાથી અંતર્ગોળ ખાડા જેવું પેટ પર દેખાશે. અને પેટ જાણે કરોડરજ્જુને અડી જવા અંદરની તરફ ગયું હોય એવું અનુભવાશે. આ ઉડ્ડીયાન બંધ થયો.

ઉડ્ડિયાન બંધ કરતી વખતે મૂલ બંધ કરવો જરૂરી છે. મૂલ બંધમાં ગુદામાર્ગના સ્નાયુઓને અંદરની તરફ ખેંચવાના હોય છે. એ વિશેની વધુ માહિતી આપણે અન્ય લેખમાં જોઈ ગયા છીએ.

ઉડ્ડિયાન બંધ જેટલો સમય બાહ્ય કુંભક કરી શકો તેટલો સમય કરો. જ્યારે શ્વાસને અંદર લેવો પડે ત્યારે ધીરેથી શ્વાસને અંદર ભરવાનો શરૂ કરો અને ઉરોદરપટલના સ્નાયુઓને ધીરેથી મુક્ત કરો.

ઉડ્ડિયાન બંધની ક્રિયા આ રીતે પાંચેક વાર કરો.

જે રીતે ઉભડક રહીને ઉડ્ડીયાન બંધ કર્યો તે જ પ્રમાણે પદ્માસન કે સ્વસ્તિકાસન પર બેસીને એ જ વિધિથી ઉડ્ડીયાન બંધ કરી શકાય. એ કિસ્સામાં પદ્માસન કે સિદ્ધાસનમાં બેસો. હાથને ઘુંટણ પર ટેકવી અને ધડને સહેજ આગળની તરફ વાળો. પછી બંધની ક્રિયા ઉપર વર્ણન કર્યા મુજબ કરો.

ફાયદા
ઉડ્ડિયાન બંધ દરમ્યાન પેટના સ્નાયુઓને કસરત મળે છે એથી પાચનતંત્ર વધુ કાર્યક્ષમ બને છે.

ઉડ્ડિયાન બંધ કરવાથી ઉરોદરપટલના સ્નાયુઓની કાર્યક્ષમતામાં વૃદ્ધિ થાય છે. જેને કારણે શ્વાસની ક્રિયા વધુ સારી રીતે કરી શકાય છે. અને શ્વસનતંત્રની ક્ષમતા સુધરતા લોહીના અભિસરણની પ્રક્રિયા પણ વધુ સારી રીતે થાય છે. જેથી કરીને, પેટ, યકૃત, બરોળ કીડની, સ્વાદુપિંડ તથા તેની આસપાસના અવયવો અને ગ્રંથિઓની કાર્યક્ષમતા સુધરે છે.

ઉડ્ડિયાન બંધ કરવાથી શારિરીક સંયમના પ્રયત્નોમાં સફળતા મળે છે. ઉડ્ડિયાન બંધ એ રીતે બ્રહ્મચર્યના પાલનમાં ખુબ મદદરૂપ પુરવાર થાય છે.

ઉડ્ડીયાન બંધનો નિરંતર અભ્યાસ કરવામાં આવે તો વૃદ્ધ પણ તરૂણ બને છે. આયુષ્ય વધે છે. યુવાની કાયમ રહે છે. મન પ્રસન્ન રહે છે જેથી શાંતિનો અનુભવ થાય છે.

આ ક્રિયા કરવાથી કબજિયાત, આંતરડાની નબળાઈ, અજીર્ણ, મંદાગ્નિ, લીવર, ને બરોળની વૃદ્ધિ, મેદની વૃદ્દિ, વગેરે તમામ પ્રકારના રોગો મટે છે. બહેનોના ગર્ભાશય સંબંધી તમામ વ્યાધિઓમાં આ બંધ અકસીર નીવડે છે. અને પ્રદર, લોહીવા, નષ્ટાર્તવ કે અતિઆર્તવ જેવી ફરિયાદો દૂર થાય છે.

ઉડ્ડિયાન બંધ કરવાથી અપાન વાયુ ઉર્ધ્વગામી બની સુષુમ્ણા નાડી (central subtle passage) તરફ ધકેલાય છે. જે કુંડલિનીના ઉત્થાન કે જાગરણ માટે અગત્યનું સાબિત થાય છે.

0 ટિપ્પણી(ઓ):

ટિપ્પણી પોસ્ટ કરો

મારા વિશે

Blogger દ્વારા સંચાલિત.
Twitter Delicious Facebook Digg Stumbleupon Favorites More

 
Powered by Blogger