વાળ માટે યોગ

Yogaયોગ સાહિત્યમાં ખાતરીપૂર્વક કહેવાયું છે કે યોગની સતત સાધના તમારામાં કામદેવ જેવું તેજ લાવે છે. કામદેવને પ્રેમના પ્રતીકરૂપે ઓળખવામાં આવે છે. આમ, યોગ તમને યુવાન બનાવી રાખે છે. પુરાણોમાં બાબાજી (ચિરંજીવી અને અમર આત્મા, જે હિમાલયના દુર્ગમ વિસ્તારોમાં ભ્રમણ કરી રહ્યા છે) જેવા મહાન યોગીઓનું વર્ણન મળે છે. યોગના મહાન અભ્યાસુ રહી ચૂકેલાઓ માટે કહેવાય છે કે સેંકડો વર્ષ પછી પણ એમના ચહેરા પરની દીપ્તિ વીસ વર્ષના યુવાન જેવી જ રહે છે.
એટલે સુધી કે સ્વામી શ્વેતમારામાની ‘હઠયોગ પ્રદીપિકા’માં પણ એ વાતની ખાતરી અપાય છે કે યોગસાધના દ્વારા ફકત ચહેરાની ચમક જ નહીં, પણ સૂંઘવાની ક્ષમતામાં પણ વધારો થાય છે. ટાલ પડી જવી કે પછી વાળમાં સફેદી આવવા જેવી વારસાગત સમસ્યાઓ બાજુ પર મૂકીને વિજ્ઞાનની દ્રષ્ટિએ જોઇએ તો પણ આ તથ્ય પર ભરોસો કરી શકાય. વિજ્ઞાન પણ સાબિત કરી ચૂક્યું છે કે ચહેરાની દીપ્તિ અને કાળા ભમ્મર વાળ તમારી દિનચર્યા અને ખાણીપીણી પર સંપૂર્ણપણે નિર્ભર કરે છે.
અનિયમિત આહારમાં અનેક અવગુણો સમાયેલા છે. ઘા રૂઝાવામાં પણ જેની જરૂર હોય છે એવા લોહ અને ઝિંકની ઊણપ, સુસ્ત લીવર, કોફીનો જરૂરથી વધુ ઉપયોગ, મીઠાં પીણાં, ઓછા પ્રોટીનવાળો આહાર વગેરે વાળ અને ત્વચાની ચમક છીનવી લે છે. હોર્મોનની અનિયમિતતા, અનેક પ્રકારની દવાઓ (જેમાંની અમુક આપણે હૃદયરોગ, સાંધાના દુખાવા અને તાણથી બચવા લેતાં હોઇએ છીએ) - આ બધાથી વાળ અને ત્વચાની સમસ્યા વધે છે અને એ પોતાની ચમક ખોઇ બેસે છે.
એસિડિટી રોકવા માટે બેફામ ઉપયોગમાં લેવાતી ગોળી-ટિકડી આપણાં શરીરને દુર્લભ પોષકતત્ત્વોથી વંચિત કરી દે છે. આજની ધાંધલ ભરેલી જિંદગી યુવાનોના પાચનતંત્રમાં તકલીફ, વા અને ડાયાબિટીસ જેવા ઘણા વણમાગ્યા રોગોનું કારણ બને છે. આ બધાની અસર વાળ અને ત્વચાનાં સ્વાસ્થ્ય પર પડે છે. ડાયાબિટીસ લોહીમાં શોષાતા મેગ્નેશિયમની ક્ષમતા પર પણ અસર કરે છે.
આપણા શરીરને મેગ્નેશિયમની વિશેષ જરૂર હોય છે. મેગ્નેશિયમ જ આપણા શરીરને વૃદ્ધ બનાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવતા ઓકિસકારક તત્ત્વો સામે રક્ષણ આપે છે. ટૂંકમાં આ આખા મામલામાં સૌથી મોટો ગુનેગાર તાણ છે. એ આપણા શરીરમાં નકારાત્મક હોર્મોનનો સ્રાવ વધારી દે છે. આપણું શરીર તકલીફમાં હોય છે ત્યારે શરીરના દરેક ભાગને તરત જ સચેત થઇ જવાનો આદેશ મળી જાય છે. આ પ્રક્રિયામાં મરેલા કોષ (જેમાં વાળ અને ત્વચા સામેલ છે) ને ઊર્જા તરીકે ઉપયોગમાં લેવાય છે.
આજની લાઇફસ્ટાઇલમાં યોગનું સ્થાન
- યોગ સૌથી વધુ અસરકારક તાણનિવારક છે. તાણથી પેદા થતી અને ઉમ્મર વધારવામાં સૌથી વધુ ભૂમિકા ભજવતી ખરાબ અસરોને યોગ નિષ્ફળ કરી દે છે.
- ચયાપચયની ક્ષમતા વધારે છે જેથી લીવર સ્વસ્થ બને છે. સારા વાળ અને ત્વચા માટે સ્વસ્થ લીવર આવશ્યક અંગ છે, જે ઉત્સેચક (એન્ઝાઇમ્સ) પર નિયંત્રણ રાખે છે.
- સૌથી વધુ મહત્ત્વની વાત એ છે કે યોગ મસ્તક અને ચહેરાના ભાગમાં લોહીનું પરિભ્રમણ અત્યંત શકિતશાળી બનાવી દે છે. નસોમાં લોહીનો પ્રવાહ સારી રીતે વહે છે. તમામ સૂક્ષ્મ રકતવાહિનીઓ, સ્નાયુઓ અને માંસપેશીઆને ફરી એક વાર ચેતના બક્ષે છે તથા શરીરને યુવાન અને સ્ફૂર્તિમય બનાવે છે.
- મહત્વનાં મર્મબિંદુઓ અને પ્રેશર પોઇન્ટ્માંથી ઊર્જાશકિતનો મહત્ત્વનો સ્રોત વહે છે અને એ ફરી એકવાર સ્વસ્થ થઇ જાય છે. ચહેરા અને ગરદન વિસ્તારમાં આ ઊર્જાપ્રવાહનું ખાસ ક્ષેત્ર છે. આજે પણ યોગ અને યુવાની સંબંધે શોધ સતત ચાલુ છે અને નવાં પરિણામો આવી રહ્યાં છે, પણ જે યોગ કરવા ઇરછે છે એમણે આવા કોઇ પણ પરિણામ જોવાની જરૂર નથી.
પૃથ્વી મુદ્રા
આરામથી ઘ્યાનની મુદ્રામાં બેસો. આંખો બંધ કરો. ઘ્યાન અવસ્થામાં મુદ્રા કરવામાં આવે તો એ વધુ અસરકારક સાબિત થાય છે. બંને હાથોની અનામિકાના ટોચના ભાગને અંગુઠાથી સ્પર્શો. આ અવસ્થામાં ત્રણથી પાંચ મિનિટ સુધી બેસો. વધુ કફ હોય કે સાંધા જકડાયેલા હોય તો આ આસન કરવાનું ટાળો.
ફાયદા: એ શરીરમાં ભૂમિતત્ત્વનો વધારો કરે છે. સંયમ વધારે છે. તાણને લીધે સમય પહેલા વાળને સફેદ થતાં અટકાવે છે. એ ખરતા વાળ, સૂકી ત્વચા અને તૂટેલા નખની સમસ્યાથી બચાવે છે, શરીર દુર્બળ થતું રોકે છે. હાડકાં મજબૂત બનાવે છે. હાયપર થાઇરોઇડમાં રાહત આપે છે
0 ટિપ્પણી(ઓ):
ટિપ્પણી પોસ્ટ કરો