શનિવાર, 5 માર્ચ, 2011

યોગ એ જ જીવન

યોગ એ જ જીવન 

આમુખ

આજે યોગાસનોને જે મહત્ત્વ પ્રાપ્ત થયું છે તે અનેક બાબતોને આભારી છે.  યોગાસનો ફક્ત પૂર્ણ શારીરિક કસરતો જ નથી પણ સાથે સાથે યોગના અભ્યાસની તૈયારીનું મહત્ત્વનું પગથિયું પણ છે. હઠયોગ તથા રાજયોગ બન્ને આસનની આ પ્રવિધિને શરીરના શુદ્ધીકરણ માટે તેમજ શરીરને જ્ઞાનતંતુના સંતુલન સાથે સંવાદિત રાખવા માટે જરૂરી માને છે. આ સંતુલન વ્યક્તિ માટે ઉચ્ચતર એકાગ્રતા સાધવા માટે જરૂરી છે. પંતજલિનો રાજયોગ ધ્યાનના અભ્યાસ માટે કોઈ એક આસનને પસંદ કરવાનું જણાવે છે, પરંતુ હઠયોગ શરીરને તંદુરસ્ત રાખવા માટે વિવિધ પ્રકારનાં આસનોના અભ્યાસ પર ભાર મૂકે છે. વળી તેનાથી શરીરની ક્રિયાઓ લયબદ્ધ બને છે, જે પ્રાણાયામના અભ્યાસ દરમિયાન પ્રાણના વહન જેવી સૂક્ષ્મ ક્રિયામાં સંતુલન તથા લય જાળવવામાં સહાયક બને છે. આમ યોગાસનો યોગના ખરેખર પાયારૂપ છે.

યોગના લાભ
હઠયોગ તંદુરસ્તી તેમજ દીર્ઘ જીવન માટે સહાયક છે. તેના અભ્યાસથી હૃદય, ફેફસાં અને મગજના કાર્યમાં નિયમન આવે છે. તેનાથી પાચનતંત્ર અને રુધિરાભિસરણ સુધરે છે. કિડની, લીવર અને બધા આંતરિક અવયવો વધુ કાર્યક્ષમ બને છે. તે વિવિધ રોગોને દૂર કરે છે.

સામાન્ય શારીરિક કસરતથી શરીરના બાહ્ય સ્નાયુઓનો જ વિકાસ થાય છે. તેનાથી શરીરનો બાંધો સુંદર બને છે; પણ આસનો કરવાથી આપણા શરીરના આંતરિક અવયવો લીવર, બરોળ, પેનક્રિયાસ, આંતરડાં, હૃદય, ફેફસાં, મગજ અને ગળાના મૂળમાં આવેલી મહત્ત્વની ગ્રંથિઓ થાઇરોઈડ, અને પેરથાઈરોઈડ, બરોળમાં આવેલ એડ્રેનાલ, મગજમાં આવેલ પિચ્યુટરી અને પિનિયલની કાર્યક્ષમતા ખૂબ સુધરે છે. આ ગ્રંથિઓ ચયાપચય અને શારીરિક બંધારણને સ્વસ્થ રાખવામાં તથા વિવિધ પ્રકારના શરીરના કોશ અને પેશીજાળનો વિકાસ તથા પોષણ જાળવી રાખવા ખૂબ મહત્ત્વનો ભાગ ભજવે છે.

આહાર એવો હોવો જોઈએ જે શારીરિક કાર્યક્ષમતા અને સારું સ્વાસ્થ્ય જાળવી શકે. વ્યક્તિનું કલ્યાણ બીજી કોઈપણ વસ્તુ કરતાં પૂર્ણ પૌષ્ટિક આહાર પર વધુ આધાર રાખે છે. સંતુલિત આહાર મનુષ્યને તેના વિકાસમાં તથા વધુ કાર્યશીલ બનાવવામાં મદદ કરે છે. તેનાથી વજન વધે છે અને કાર્યક્ષમતા, બળ અને ઉત્સાહ ટકી રહે છે. તમે જેવો આહાર લેશો તેવા બનશો.

ભોજન કેવું અને ક્યારે
અકરાંતિયા અને ભોગી લોકો યોગમાં સફળ થઈ શકે નહિ. જે વ્યક્તિ માફકસરનો આહાર લે છે, જેણે પોતાના આહારનું નિયમન કર્યું હોય છે તે યોગી બની શકે છે. એટલા જ માટે ભગવાન કૃષ્ણ ગીતામાં અર્જુનને કહે છે, ‘હે અર્જુન, બહુ ખાનારને કે ભૂખ્યા રહેનારને, બહુ ઊંઘનારને કે કેવળ જાગનારને માટે યોગી થવું શક્ય નથી. જે મનુષ્ય ખાવાપીવામાં, હરવાફરવામાં, કર્મોની પ્રવૃત્તિમાં તેમજ ઊંઘવા-જાગવામાં માફકસરનો હોય છે તેની યોગસાધના સઘળાં દુઃખોને હરે છે.’’ (૬/૧૬-૧૭) માટે મનનો ગમતો, પોષક તત્ત્વોવાળો અને મધુર આહાર અડધું પેટ ભરાય તેટલો લો; ચોથો ભાગ પાણીથી ભરો અને બાકીનો ચોથો ભાગ વાયુ માટે મુક્ત રાખો. આ માફકસરનો આહાર ગણાય. પ્રત્યેક જીવન કાર્ય પ્રભુને અર્પણ કરો.

સાધકોએ કેફી પદાર્થો, કોફી, ચા, દારૂ અને ધૂમ્રપાન જેવા ઇન્દ્રિયોને ઉત્તેજિત કરતા પદાર્થો ટાળવા.
કુદરતી જીવન જીવો. તમારા શરીરે બરાબર અનુકૂળ હોય તેવો સાદો આહાર લો. તમારા શારીરિક બંધારણને અનુકૂળ તમારું ભોજન હોવું જોઈએ. સાદો કુદરતી અને દારૂ વગરનો આહાર તેમજ પીણાં તમારા મનને શાંત તથા પવિત્ર રાખશે અને યોગના સાધકને તેના અભ્યાસમાં અને જીવનના લક્ષ્યને પ્રાપ્ત કરવામાં મદદ કરશે.

આવો! આપણે યોગાસનો કરીએ
જીવનની સતત પ્રવેગિત થઈ રહેલી ગતિ આપણને, આપણા જીવન, આપણું શરીર અને આપણા મન વિષે વિચાર કરવાની ભાગ્યે જ તક આપે છે. છતાં આ પ્રવૃત્તિઓમાંથી થોડોક સમય ચોક્કસ ફાળવો અને આપણું શરીર જે કુદરતનું સર્વોત્કૃષ્ટ સર્જન છે તેનું નિરીક્ષણ કરો. તમે જોશો કે તેમાં શરીરની ક્રિયાઓને અવિરતપણે ચાલુ રાખનાર અસંખ્ય કોશોમાંનો દરેક કોશ, શરીરનો દરેક નાનોમોટો અવયવ અને મગજ તથા મન અવિરતપણે કાર્યશીલ હોય છે. આવી સતત પ્રવૃત્તિ કરવાથી તનાવ ઉદભવે છે અને પરિણામે શરીર-મન-સંકુલની કાર્યક્ષમતા ઘટે છે. પરંપરાગત કસરતો બહારના સ્નાયુઓને સુડોળ બનાવતી હોવા છતાં આંતરિક અવયવોને ખાસ લાભ કરતી નથી.

કરોડરજ્જુને લચીલી રાખવાથી શરીર-મન-સંકુલ તંદુરસ્ત અને ઉત્સાહપૂર્ણ બને છે અને ટકી રહે છે. કરોડરજ્જુને લચીલી રાખવા માટે યોગાસનોનો નિયમિત અને વ્યવસ્થિત અભ્યાસ જરૂરી છે. યોગાસનો કરવાથી લીવર, કીડની, ફેફસાં, મસ્તક ઉપરાંત આખી શરીર પ્રણાલી સક્રિય તેમ જ પ્રાણવાન બને છે. પ્રાણાયામ કરવાથી શરીરને વધુ ઓક્સિજન મળે છે, જે ઝેરી તત્ત્વોને દૂર કરી શરીર-પ્રણાલીને સ્વચ્છ રાખે છે. આમ યોગાસન અને પ્રાણાયામના નિયમિત અભ્યાસથી આખી શરીર પ્રણાલી વધુ સ્વસ્થ બને છે. યોગાસન અને પ્રાણાયામ માટે આપેલી થોડીક મિનિટો વ્યક્તિને દીર્ઘ જીવન અને જીવનભર સ્વાસ્થ્ય તથા સુખ આપે છે.

છતાં, ખાસ યાદ રાખો કે શરીરને મારી-મચડીને વિવિધ અંગસ્થિતિ બનાવવી તે તો સરકસવાળા વધુ સારું કરી શકે છે; પરંતુ યોગાસન નિયમિતપણે, ઉતાવળ કર્યા વિના અને સાચી અંગસ્થિતિ રાખીને કરવાં જોઈએ. વધુ પડતો થાક ન લાગે તે જોવું જોઈએ. દીર્ઘકાલીન લાભ મેળવવા માટે દરેક આસન ઓછામાં ઓછું ૯૦ સેકન્ડ સુધી કરવું જોઈએ. યોગાસન વહેલી સવારે કરવામાં આવે તો વધુ સારું. યોગાસનની શરૂઆત કરતાં પહેલાં, પદ્માસન, સુખાસન, સિદ્ધાસન કે વજ્રાસનમાંથી તમને અનુકૂળ હોય તેવા એક આસનમાં બેસો. પૂર્ણ શ્વાસ લો અને ઓછામાં ઓછું ત્રણ વાર ઓમનું ઉચ્ચારણ કરો. ઓમ એ પ્રાચીન ભારતીય ઋષિઓની શ્રેષ્ઠ ગૂઢ શોધ છે. તે ફેફસાંને કાર્યશીલ કરે છે અને શક્તિ પ્રદાન કરે છે અને તમને યોગાસન કરવા માટે માનસિક રીતે તૈયાર કરે છે. હવે કઠોપનિષદની નીચેની પ્રાર્થના કરીએ.

ઓમ સહનાવવતુ, સહનૌભનુક્તુ, સહવીર્યંસરવાવહૈ,
તેજસ્વિનાવધિતમસ્તુ, મા વિદ્વિષાવહૈ.
ઓમ શાંતિઃ શાંતિઃ શાંતિઃ

0 ટિપ્પણી(ઓ):

ટિપ્પણી પોસ્ટ કરો

મારા વિશે

Blogger દ્વારા સંચાલિત.
Twitter Delicious Facebook Digg Stumbleupon Favorites More

 
Powered by Blogger