બુધવાર, 2 માર્ચ, 2011

સર્વાંગાસન (Shoulder Stand)

સર્વાંગાસન (Shoulder Stand) 

 

શીર્ષાસનને આસનોનો રાજા કહેવામાં આવે છે તો સર્વાંગાસનને આસનોનો પ્રધાન કે રાણી પણ કહેવામાં આવે છે. એ પરથી આ આસનનું મહત્વ અને એનાથી થતા લાભોની અગત્ય સમજાશે. આપણા શરીરમાં ગળામાં હડિયા પાછળ અત્યંત મહત્વની કંઠસ્થગ્રંથિ(Thyroid Gland) આવેલી છે. તેની ઉપર શરીર અને તેના તંત્રોની તંદુરસ્તીનો મોટો આધાર છે. આ આસન તે ગ્રંથિને તંદુરસ્ત અને કાર્યક્ષમ બનાવે છે અને તે દ્વારા દેહનાં સર્વ અંગો-સર્વ તંત્રોને તંદુરસ્ત અને કાર્યક્ષમ રાખે છે તેથી આ આસનને સર્વાંગાસન કહેવાય છે.
sarvangasana
આસનની રીત
  • સૌપ્રથમ ચત્તા સૂઈ જાઓ. બંને હાથ બાજુ પર અને બંને પગ પૂરા લંબાવેલા રાખો.
  • બંને પગ જોડાજોડ સીધા રાખી જમીનથી ૩૦ અંશને ખૂણે ઊંચકો, પછી ૬૦ અંશને ખૂણે ઊંચકી ત્રણ-ચાર સેકન્ડ થોભો. પછી ૯૦ અંશને ખૂણે બંને પગ ઊભા કરો.
  • બંને પગને મસ્તક તરફ સહેજ નમાવો. હવે થાપાનો ભાગ કમર સુધી ઊઠાવી બંને પગને આકાશ તરફ ઊંચા કરો. સહેલાઈથી ન થઈ શકે તો આ વખતે બંને હાથનો બંને નિતંબની પડખે ટેકો આપો.
  • ત્યાર પછી બંને હાથને આધારે શરીરનો ભાર ટેકવી, કમરને હાથના પંજા ઉપર ટેકવી કેવળ ખભો તથા માથું જ જમીન પર રહે તેમ બરડાને ધીરે ધીરે ઊંચો લઈ જઈ, શરીરને સરળ ઊભી લીટીમાં લાવો.
  • આ સમયે હાથેથી બંને પીઠ પડખે દબાણ કરી, છાતી દાઢી સાથે બરાબર દબાવો. આ સ્થિતિમાં ધડ તથા પગ એક સીધી રેખામાં આવે અને જમીન સાથે કાટખૂણે ઊભા રહે એમ થશે. હડપચીનો ભાગ કંઠકૂપ ઉપર દબાયેલો રહે તે અગત્યનું છે. ગરદનનો પાછળનો બધો ભાગ પણ જમીન સાથે લાગેલો રહેવો જોઈએ.
  • આ સ્થિતિમાં ત્રણથી પંદર મિનીટ સુધી રહો. આ આસન એકલું કરવાનું હોય ત્યારે વધુ સમય થઈ શકે પણ બીજાં આસનોની સાથે કરવામાં આવે તો વધુમાં વધુ સમય પાંચ-છ મિનિટ રાખવો. અન્ય આસનોની માફક આ આસન પણ શરૂઆતમાં ત્રીસ સેકંડથી શરૂ કરી ક્રમે-ક્રમે વધારતા જવું હિતાવહ છે.
  • નિયત સમય સુધી આસન રાખી ઊલટા ક્રમથી ધીમેથી આસન છોડવું. આંખો બંધ કરી કંઠસ્થ ગ્રંથિ પર મનને સ્થિર કરવું તેમ જ શ્વાસોચ્છવાસ સ્વાભાવિક રીતે ચાલવા દેવો.
ફાયદા
  • ધીમે ધીમે આસનનો સમય વધારતા રહેવાથી વળિયાં અને પળિયાં દૂર થાય છે. રસાયણ સમાન આ આસનના અભ્યાસથી અમૃતપાનની જેમ શરીરસામર્થ્યની વૃદ્ધિ થાય છે. અંતઃકરણ શુદ્ધ થાય છે. અને ચિરયૌવનની પ્રાપ્તિ થાય છે. હઠયોગીઓના મત મુજબ પ્રતિદિન પ્રહરમાત્ર અભ્યાસ કરતા રહેવાથી સાધક મૃત્યુને જીતે છે.
  • શરીરને ઊભી સ્થિતિમાં સતત રહેવું પડતું હોવાથી પેટની અંદરના અવયવો સતત દબાણમાં રહે છે. સર્વાંગાસનમાં શરીરને ઊલટું કરાતું હોઈને અવયવો તાણ કે દબાણથી મુક્ત થાય. જેથી આ આસન નીચે ઊતરી ગયેલાં આંતરડાં, હોજરી વગેરેને યથાસ્થાને લાવવામાં અસરકારક છે.
  • આ આસનથી યાદશક્તિ એટલે કે મેધાશક્તિ વધે છે. માનસિક શ્રમ કરનાર સર્વને માટે તથા ખાસ કરીને વિદ્યાર્થીઓ માટે આ આસન ઘણું જ ઉપકારક છે.
  • ગરદનના અંકોડામાંથી નીકળતી જ્ઞાનતંતુની નાડીઓ ને સબળ બનાવે છે. કંઠસ્થ ગ્રંથિ (Thyroid Gland) ને નીરોગી અને સબળ બનાવી શરીરના સર્વ અંગોને-તંત્રોને કાર્યક્ષમ અને તંદુરસ્ત બનાવે.
  • રુધિરાભિસરણને વધારે ગતિમાન કરે. જેની રક્તવાહિનીઓ અશુદ્ધ થઈ નબળી થઈ ગઈ હોય તેને રક્તાભિસરણ ભારે મદદરૂપ બને.
  • વીર્યની ગતિ ઉર્ધ્વ થાય છે. જેથી આ આસન સ્ત્રીપુરુષની જનનગ્રંથિ (sex gland)ને લાભકારક છે. આ આસનથી સ્વપ્નદોષ દૂર થાય છે.
  • યકૃત અને બરોળના દોષો દૂર થાય છે. નિત્ય અભ્યાસક્રમથી જઠરાગ્નિ પ્રદીપ્ત થાય છે અને સમગ્ર પાચનતંત્રની કાર્યક્ષમતા વધે છે.
  • મુખ ઉપરના ખીલ અને ડાઘા દૂર થઈ ચહેરો તેજસ્વી બને છે.
  • મંદાગ્નિ, અજીર્ણ, કબજિયાત, થાઈરોઈડનો અધૂરો વિકાસ, શરૂઆતની અવસ્થાનું એપેન્ડીસાઈટીસ, સારણગાંઠ, અંગવિકાર, અકાળે વૃદ્ધાવસ્થા, દમ, કફ, ચામડીનાં દર્દો, લોહીવિકાર, સ્ત્રીઓના દર્દો જેવાં કે માસિકની અનિયમિતતા, માસિકના સમયે દુખાવો, નષ્ટાર્તવ, અત્યાર્તવ વગેરે દર્દો પર આ આસન લાભકર્તા છે.
  • આ આસનની બીજી પણ ઘણી આરોગ્યપ્રદ અસરો છે. તેથી આ આસન પણ શીર્ષાસનની જેમ યોગનું એક ઘણું મહત્વનું આસન છે. અને પોતાના યોગના અભ્યાસક્રમમાં દરેકે તેનો સમાવેશ કરવો જોઈએ.
સાવધાની
  • ગરદનના મણકામાં દુખાવો હોય કે ગળામાં સોજો હોય તો આ આસન ન કરવું.
  • થોઈરોઈડના અતિવિકાસવાળા, ખૂબ જ નબળા હૃદયવાળા તથા અતિશય મેદવાળા વ્યક્તિઓએ આ આસન અનુભવીના માર્ગદર્શન વિના કરવું નહીં

0 ટિપ્પણી(ઓ):

ટિપ્પણી પોસ્ટ કરો

મારા વિશે

Blogger દ્વારા સંચાલિત.
Twitter Delicious Facebook Digg Stumbleupon Favorites More

 
Powered by Blogger