બુધવાર, 2 માર્ચ, 2011

મત્સ્યેન્દ્રાસન (Spinal Twist)

મત્સ્યેન્દ્રાસન (Spinal Twist)

નાથ સંપ્રદાયમાં થઈ ગયેલા સમર્થ યોગી શ્રી મત્સ્યેન્દ્રનાથજીએ આ આસન સિદ્ધ કરી એનો પ્રચાર કર્યો હોવાથી એમના નામ પરથી આ આસન મત્સ્યેન્દ્રાસન તરીકે પ્રસિદ્ધ થયું છે. ઘેરંડ સંહિતમાં મત્સ્યેનદ્રાસન વિશે નીચે પ્રમાણે ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
purna-matsyendrasanaअथ मत्स्येन्द्रासनम् ।
उदरं पश्चिमाभासं कृत्वा तिष्ठति यत्नतः ।
नम्राङ्गं वामपादं हि दक्षजानूपरि न्यसेत् ॥२२॥
तत्र याम्यं कूर्परञ्च याम्यकरे च वक्त्रकम् ।
भ्रुवोर्मध्ये गता दृष्टिः पीठं मात्स्येन्द्रमुच्यते ॥२३॥
હઠયોગ પ્રદીપિકામાં મત્સ્યેન્દ્રાસન વિશે નીચે પ્રમાણે ઉલ્લેખ જોવા મળે છે.
वामोरुमूलार्पितदक्षपादं जानोर्बहिर्वेष्टितवामपादम् ।
प्रगृह्य तिष्ठेत्परिवर्तिताङ्गः श्रीमत्स्यनाथोदितमासनं स्यात् ॥२८॥

આસનની રીત
 • બંને પગને આગળ સીધા લંબાવી બેસો.
 • હવે ડાબા સાથળના મૂળમાં જમણો પગ મૂકો અને ડાબા પગને ઢીંચણમાંથી વાળીને જમણા પગની જમણી બાજુએ ઢીંચણ આગળ મૂકો.
 • હવે શરીરને ડાબી બાજુ મરોડ આપીને જમણા હાથને ડાબી બાજુના ઢીંચણ પર થઈને ડાબા પગના અંગુઠાને પકડો.
 • આ સમયે શરીરને બને તેટલી ડાબી બાજુ મરડી ડાબા હાથને પીઠની પાછળથી લઈ નાભિ આગળ રાખો. અથવા તો એનાથી જમણા પગની એડી પકડો.
 • ગરદનને ડાબી બાજુએ વાળી ખભા ઉપર સ્થિર રાખો. આમ કરતાં આસન પૂરું થશે.
 • હવે આસન ઉલટા ક્રમમાં છોડો.
 • જેવી રીતે ડાબી તરફ કર્યું એવી જ રીતે હાથ અને પગની અદલાબદલી કરી જમણી તરફ આસન કરો.
 • આસનની સ્થિતિમાં ત્રીસ સેકંડથી શરૂઆત કરીને લગભગ ત્રણથી પાંચ મિનીટ સુધી રહી શકાય.
અર્ધમત્યસ્યેન્દ્રાસન (Half Spinal Twist) ardha-matsyendrasan
 • પૂર્ણ મત્સ્યેન્દ્રાસન અઘરું હોવાથી શરૂઆતમાં અર્ધમત્સ્યેન્દ્રાસન કરવાની સલાહ આપવામાં આવે છે. બંનેમાં ફરક માત્ર પગને ક્યાં રાખવામાં આવે તેનો જ છે.
 • અર્ધમત્સ્યેન્દ્રાસનમાં જમણા પગને ડાબા સાથળના મૂળમાં નહિ મૂકતાં ઢીંચણમાંથી વાળી પગની એડીને સિવણી સ્થાન પાસે અડે એવી રીતે રાખવામાં આવે છે. એથી આ આસન કરવામાં ઓછી કઠિનાઈ પડે છે. બાકીની બધી રીતે તે પૂર્ણ મત્સ્યેન્દ્રાસન જેવું છે.
આસનના લાભ
 • આ આસનના લાભ વિશે હઠયોગ પ્રદીપિકામાં નીચે પ્રમાણે ઉલ્લેખ કરવામાં આવેલો છે.
 • मत्स्येन्द्रपीठं जठरप्रदीप्तिं प्रचण्डरुग्मण्डलखण्डनास्त्रम् ।
 • अभ्यासतः कुण्डलिनीप्रबोधं चन्द्रस्थिरत्वं च ददाति पुंसाम् ॥२९॥
 • મત્સ્યેન્દ્રાસન કરવાથી જઠરાગ્નિ પ્રદીપ્ત થાય છે. જેથી ભૂખ સારી લાગે છે. પેટના અંદરના અવયવોનું સ્વાસ્થ્ય સુધરે છે. અજીર્ણ, મંદાગ્નિ જેવી ફરિયાદો દૂર થાય છે. પાચનક્રિયા સારી રીતે થાય છે. પ્રચંડ રોગોના સમુહના નાશ માટે મત્સ્યેન્દ્રાસન એક અસરકારક શસ્ત્ર જેવું લાભદાયી સિદ્ધ થાય છે.
 • કુંડલિની ઉત્થાનમાં આ આસન લાભદાયી થાય છે. આ આસનની કરવાથી કુંડલિનીના પ્રબોધમાં મદદ મળે છે. ચંદ્રની સ્થિરતા થાય છે. તાળવાની ઉપરના પ્રદેશમાંથી સ્ત્રવતા અમૃતતત્વની પ્રાપ્તિ થાય છે અને યોગી અખંડ યૌવનને મેળવી શકે છે.
 • આ આસન કરવાથી કરોડનો દરેક મણકો પોતાની ધરી પર દોરડીના વળની માફક ફરે છે. જેથી લીગામેન્ટસને પૂરતા પ્રમાણમાં લોહી મળે છે. એથી કરોડરજ્જુની સ્થિતિસ્થાપકતા સારી રહે છે ને ચિર યૌવનની પ્રાપ્તિ થાય છે.
 • કરોડનાં મણકાં ખેંચાવાથી એમાંથી નીકળતા જ્ઞાનતંતુઓ પણ ખેંચાય છે. એથી એની અસર મગજમાંથી નીકળતા બાર મુખ્ય જ્ઞાનતંતુઓમાંથી એક - વેગસ નર્વને થાય છે. જેથી અનૈચ્છિક નાડીતંત્ર પર લાભદાયક અસર થાય છે. પરિણામે લીવર, જઠર, મૂત્રપિંડ, કીડની વગેરે આરોગ્યવાન બને છે.
 • આ આસન કરવાથી પેટના, પગના, ગળાના, કેડ, છાતી, પેઠું, અને બરડાના ભાગમાં રહેલા વિવિધ sacro spinal musculature ને વ્યાયામ મળે છે. ફલતઃ રુધિરાભિસરણ સારી રીતે થાય છે. બરડાનો દુખાવો અને સંધિવા મટે છે.
 • મત્સ્યેન્દ્રાસન કરવાથી પાંસળીઓ ખેંચાય છે. જેથી કફ પ્રકૃતિવાળા માટે આ આસન લાભદાયી નીવડે છે. શરીમાં રહેલી બોંતેર હજાર નાડીઓ શુદ્ધ થાય છે.
સાવધાની
 • આ આસનમાં બરડાના, કમરના સ્નાયુઓ ખેંચાય છે એથી જેમને કમરનો દુખાવો હોય, કે જેમના પીઠના સ્નાયુ ખેંચાયલો હોય તેમણે આ આસન કરવું નહીં.
 • આસનની સ્થિતિમાં શરીરનું સમતોલન જાળવવું અગત્યનું છે. આંચકો આવે તેવી રીતે આસન છોડતાં કે શરીરનું સમતોલન ડગમગે ત્યારે ઝાટકો આપી સમતુલન જાળવવા જતાં સ્નાયુઓને નુકસાન થવાનો સંભવ છે. એથી સાવધાનીપૂર્વક આ આસન કરવું.

0 ટિપ્પણી(ઓ):

ટિપ્પણી પોસ્ટ કરો

મારા વિશે

Blogger દ્વારા સંચાલિત.
Twitter Delicious Facebook Digg Stumbleupon Favorites More

 
Powered by Blogger