માનસિક રોગ નિવારે યોગ
યોગશાસ્ત્ર માને છે કે બીમારી પહેલાં તો મનમાં પ્રસ્ફુરિત થાય છે અને ત્યારબાદ શારીરિક લક્ષણોના રૂપમાં પ્રગટ થાય છે. વળી, મનોચિકિત્સકો પણ મનોરોગીને યોગાભ્યાસ કરવાનું જણાવે છે
આધુનિક મનોકાયિક સિદ્ધાંતને યોગસાહિત્યે હજારો વર્ષ પહેલાં સમજી લીધું હતું. યોગશાસ્ત્ર માને છે કે બીમારી પહેલાં તો મનમાં પ્રસ્ફૂરિત થાય છે અને ત્યારબાદ શારીરિક લક્ષણોના રૂપમાં પ્રગટ થાય છે. બધી જ બીમારીઓનું મૂળ ઊર્જાનો અસંતુલિત પ્રવાહ છે અને માનસિક રોગનું કારણ પણ પ્રાણ-ઊર્જાના વિતરણનું અસંતુલન જ છે. મનુષ્યનાં દુ:ખ, તાપ અને કલેશ તથા રોગનું કારણ પણ ટેન્શન જ છે. જરૂરિયાતો પૂરી ન થવી, નેઈમ એન્ડ ફેઈમ પાછળની આંધળી દોટ તેમજ ભૌતિક ઉપલબ્ધિ માટેની ચિંતા મનોવૈજ્ઞાનિક પરેશાની જ પેદા કરે છે અને આ કારણે જ સમાજના મોટા ભાગના લોકો તનાવ અને પરેશાનીગ્રસ્ત માનસિક બીમારીઓના ભોગ બને છે.
સ્વાસ્થ્ય અને યોગને અત્યંત નિકટનો સંબંધ છે. પ્રાત:કાળે યોગાભ્યાસ કરવાથી વાયુમંડળમાં ઉપસ્થિત ઓકિસજનયુકત પ્રાણવાયુની શરીર પર અસર પડે છે અને પ્રાત:કાળે શરીરમાં તનાવ પણ ઉત્પન્ન થતો નથી હોતો. આ વિશ્રામની સ્થિતિમાંથી ઊઠીને તરત યોગાભ્યાસ કરવાથી શારીરિક અસંતુલન-વ્યાધિ દૂર થઈ જાય છે. બાદમાં પ્રાણાયામ કરો અને રાત્રે યોગનિદ્રાનો અભ્યાસ કર્યા પછી ઊઘી જશો તો નિદ્રા આરામદાયક,ગહન અને ઊડી આવશે જેથી સંકલ્પશકિત પણ વધશે,પરિણામ સ્વરૂપે નિરાશા, ભય અને ચિંતા પણ સમાપ્ત થશે. રોગ પ્રતિકારક ક્ષમતા પણ વધશે અને તે જ ક્ષણથી બીમારી પણ હટવા લાગશે. હું માત્ર એક વાત ઉપર વિશેષ ઘ્યાન આપું છું કે, જેઓને ધૂમ્રપાન અગર તમાકુ, ગુટખા વગેરેનું વ્યસન હોય તેઓએ વ્યસન છોડવું પડશે. યોગાભ્યાસ સાથે તમાકુનું વ્યસન ચાલુ રહેશે તો તેની સૂક્ષ્મ શરીર પર પણ અસર થશે. પ્રાણની વિક્રિયા અને શરીર પર પ્રતિક્રિયા પણ થશે.
પરિસ્થિતિનો સામનો કરતાં પહેલાં મગજને હકારાત્મક વિચારોથી વિકસાવો, કુશળતાપૂર્વક કાર્ય પસંદ કરો. તનાવયુકત પરિસ્થતિ ઓળખ્યા બાદ હિંમત ન હારો, પરિસ્થિતિનો સામનો કરો, ધીરજ રાખો કે આ સ્થિતિ પણ જતી રહેવાની છે. કોઈપણ બહાના ના બનાવો, તે તમારી હિંમતને પાંગળી બનાવશે, લાગણીઓના આવેશમાં ન આવો, ગુસ્સો ન કરો બીજાને તેમની ભૂલ માટે માફ કરો અને તેમાંથી આનંદ મેળવો. સમસ્યાને મૂળમાંથી ઓળખો અને પ્રેરિત જિંદગી જીવો, વર્તમાનમાં જીવો, કોઈની પણ પાસે પ્રેમથી કામ લો, અહંકારથી દૂર રહો, તનાવયુકત વિચાર ન કરો, યોગાભ્યાસને દૈનિક દિનચર્યાનું અનિવાર્ય અંગ બનાવી સ્વસ્થ રહો, ખુશ રહો.
0 ટિપ્પણી(ઓ):
ટિપ્પણી પોસ્ટ કરો