ગુરુવાર, 3 માર્ચ, 2011

હલાસન (plough pose)

હલાસન (plough pose) 

હલાસન એ સર્વાંગાસનનું પૂરક આસન છે. હલાસન સામાન્ય રીતે સર્વાંગાસન પછી કરવામાં આવે છે. આ આસનમાં શરીરની સ્થિતિ હળ જેવી થતી હોવાથી આ આસનને હલાસન એટલે કે plough pose તરીકે ઓળખવામાં આવે છે.
halasana

આસનની રીત
 • સૌપ્રથમ ચત્તા સૂઈ જાવ. બંને હાથ શરીરની પાસે જમીન પર અને બંને પગ સીધા લાંબા રાખો.
 • ત્યારબાદ સર્વાંગાસનની માફક સૌપ્રથમ બંને પગને જમીનથી ૩૦ અંશને ખૂણે, પછી ૬૦ અંશને ખૂણે અને છેવટે કાટખૂણે વાળો.
 • હવે બરડા સુધીના ભાગને જમીનથી ઊંચો લઈ જઈ, પગને વાળી અંગૂઠા જમીનને અડે તેમ ધીરે ધીરે માથા તરફ લઈ જાવ.
 • જાંઘનો પ્રદેશ માથા પર આવે ત્યાં સુધી પગ વધુને વધુ પાછળ લઈ જવાથી હળના જેવી આકૃતિ થશે. માથાનો અને ખભાનો પાછલો ભાગ અંગૂઠા અને હાથ જમીનને અડેલા રહેશે.
 • આસનની પૂર્ણ સ્થિતિમાં હડપચીનું દબાણ કંઠકૂપ પર આવશે અને શરીરનું પૂરેપૂરું વજન કરોડરજ્જુના શરૂઆતના ભાગ પર આવશે.
 • આ સ્થિતિમાં જેટલો સમય રહેવાય તેટલું રહો અને પછી ધીમેથી મૂળ સ્થિતિમાં આવો. શરૂઆતમાં આસનનો સમય દસ-પંદર સેકંડ જેટલો રહેશે. અભ્યાસથી આ આસનમાં ત્રણથી પાંચ મિનીટ સુધી રહી શકાય.
ફાયદા
 • આ આસન સર્વાંગાસનનું પૂરક આસન છે. તેના ફાયદા પણ સર્વાંગાસન જેવા છે.
 • કબજિયાત, મંદાગ્નિ, અજીર્ણ, આંતરડાની નબળાઈ વગેરે વ્યાધિઓ હલાસનથી મટે છે.
 • બરોળ અને યકૃત આ આસનથી સારાં થાય છે.
 • આ આસનથી થાઈરોઈડ ગ્રંથિની ક્ષમતા વધે છે.
 • અનિંદ્રાનો વ્યાધિ દૂર થાય છે.
 • ઊંઘ સારી આવે છે.
 • બહેનોને આ આસનથી ઘણો લાભ થાય છે.
સાવધાની
 • અક્કડ ગાત્રોવાળાઓએ આ આસન કરોડરજ્જુને બિલકુલ આંચકો ન આવે તેમ ઉતાવળ વગર કરવું નહીંતર નુકસાન થવાનો સંભવ છે.
 • બહુ મેદવાળા, નબળા હૃદયવાળા, તેમજ રક્તચાપવાળા વ્યક્તિઓએ આ આસન ન કરવું અથવા અનુભવીની સલાહ લીધા પછી જ કરવું.

0 ટિપ્પણી(ઓ):

ટિપ્પણી પોસ્ટ કરો

મારા વિશે

Blogger દ્વારા સંચાલિત.
Twitter Delicious Facebook Digg Stumbleupon Favorites More

 
Powered by Blogger